કચ્છની પ્રાચીન ભૈગોલિક સ્થિતિ:
કચ્છમાં કૂર્મી ક્ષત્રિયો ક્યારે અને ક્યાં થઈને પ્રવેશ્યા તે સમજતાં પહેલાં કચ્છની હાલની અને પ્રચીન સમયની ભૌગોલિક સ્થિતિ સમજવી જોઈએ. હાલમાં કચ્છની ઉત્તરે મોટું રણ છે અને આ રણની ઉત્તરે પાકિસ્તાનું સિંધ છે. કચ્છની પૂર્વ અને દક્ષિણ દિશમાં નાનું રણ છે અને તે બાજુએ ગુજરાતના બનાસકાઠા અને મહેસાણા જિલ્લાઓ આવેલા છે. પણ ઈ.સ. પૂર્વે કચ્છના આ બંને રણના સ્થળે પ્રાચી, સરસ્વતિ, લૂણી અને બનાસ નદીઓ વહેતી હતી. આ નદીઓ કચ્છના તે સમયના ફળદ્રુપ પ્રદેશમાંથી વહેતી અને કચ્છના અખાતમાં પડતી હતી. સિંધુ અને બીજી કેટલીક નદીઓ કચ્છના ઉત્તરના પ્રદેશમાં સમુદ્રને મળતી હતી.

"પાટીદારો પંજાબના ક્ષત્રિયો હતા."

આમાં કેટલીક નદીઓ ધીમે ધીમે અધવચ લુપ્ત થઈ ગઈ અને કેટલીક પોતાનાં વહેણ બદલીને સિંધુ નદીમાં ભળી ગઈ. સમય જતાં સિંધુના મુખ વધારે ને વધારે પશ્ચિમ તરફ ખસતાં ગયાં અને છેવટે તેનો ‘પૂરણ’ નામનો એક ફાંટો જ કચ્છમાં બાકી રહ્યો. આ ફાંટો કચ્છના પશ્ચિમ ભાગમાં થઈ અરબી સમુદ્રને મળતો હતો. આ નદીનું વહેણ પણ ઈ.સ. 1764માં ઝારાના યુધ્ધ પછી સિંધના અમીર ગુલામશાહે મોરામાં બંધ બંધાવીને કચ્છમાં આવતું અટકાવી દીધું. આ બંધ લખતરની ઉત્તરે આવેલાં છછઈ પ્રદેશનાં ડાંગરોનાં ખેતરોની ફળદ્રુપતા ઓછી ગઈ.

ઈ.સ. 1819ના ધરતીકંપની કચ્છ પર અસર :
આ અસર પછી પણ સિંધુના નદીના જે નાના ફાંટાઓ કચ્છમાંથી પસાર થતાં હતાં તે ઈ.સ. 1819ના ધરતીકંપના લીધે બંધ થતા ગયા. ધરતીકંપના લીધે નવા બનેલા નીચાણવાળા ભાગોમાં દરિયાનાં પાણી ફરી વળ્યાં અને આ ભાગ ખારોપાટ થયો. કેટલાક ભાગો ખડકાળ અને પથ્થરિયા બન્યા; કેટલાક ભાગોમાં રણ ઉપસી આવ્યા અને આમ કચ્છની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ.

પ્રાચીન સમયનું ફળદ્રુપ કચ્છ:
આમ પ્રાચીન સમયમાં અનેક નદીઓ વહેતી હતી. કચ્છ ખેતી માટે ફળદ્રુપ પ્રદેળ હતો અને ખેતી તથા પશુપાલનનો ધંધો કરનાર અનુકૂળ સ્થળ હતું.

કૂર્મી ક્ષત્રિયોનો કચ્છમાં પ્રવેશ ( ઈ.સ. પૂર્વે 300):
ઈ.સ. પૂર્વે 300ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પંજાબમાથી કુર્મી ક્ષત્રિયોઓનાં ટોળાંઓએ પ્રવેશ કરેલો જણાય છે. આ ટોળાં સિંધ, રાજસ્થાન અને રાધનપુરના માર્ગોથી કચ્છમાં દખલ થયેલા જણાય છે.આ ટોળાઓમાં લોર અને ખારી બંને કૂર્મીઓ હતા એટલે કચ્છમાં શરૂઆતથી જ લેઉઆ અને કડવા એમ બંને જ્ઞાતિઓના પાટીદારો વસતા હતા અને ખેતી કરતા હતા. હવે ઉત્તર ગુજરાત અને અડાલજ પ્રદેશમાંથી પાટીદારો ક્યારે અને કયા સંજોગોમાં કચ્છમાં ગયા તે નીચેની હકીકતથી જણાઈ આવે છે.

ગુજરાતના કણબીઓને કચ્છમાં જવાનું કારણ:
ઈ.સ. 1449માં ઈમામશાહ નામના એક સૈયદ ઈરાનથી મુસાફરી કરતા કરતા ગુજરાતમાં આવ્યા હતા. તેમણે અમદાવાદ નજીકના ગીરમથ ગામની સીમમાં મુકામ કર્યો હતો. આ વખતે ત્રણચાર વર્ષથી ભારે દુકાળના લીધે ત્યાંના કણબીઓ ખૂબ દુ:ખી હતા. આ કણબીઓ ઈમામશાહને પવિત્ર માણસ દેખીને ક્યારે સારાં વર્ષ આવશે અને સારો વરસાદ પડશે તે પૂછવા ગયા. ઈમામશાહના કહેવા મુજબ તે વર્ષ સારો વરસાદ પડયો અને કણબીઓ સુખી થયા આથી કણબીઓમાં ઈમામશાહની એક મહાત્મા તરીકેની ખ્યાતિ થઈ.

"ધર્મ પરિવર્તનનાં સ્થળ અમદાવાદ પાસે ગિરમથા અને કચ્છમાં શિકરા હતાં"

આ સમયમાં કાશીની યાત્રા કરીને પાછા ફરતાં સુરત અને વલસાડ જિલ્લાના લેઉઆ કણબીઓનો ગીરમથકે અને મુકામે થયો. તેમને પણ ઈમામશાહે કાંઈક ચમત્કાર બતાવ્યો. આથી આ બધા કણબીઓમાં ઈમામશાહની પ્રતિષ્ઠા ખૂબ વધવા લાગી અને આજુબાજુનાં ગામડામઓના કણબીઓ તેમના શિષ્ય થવા લાગ્યા.

ઈમામશાહે શરૂ કરેલો પીરનો પંથ:
ઈમામશાહે ગીરમથા પાસે પિરાણામાં મુકામ કર્યો અને ત્યાંથી પીરનો પંથ (ધર્મ) શરૂ કર્યો. અડાલજ, ઊંઝા તથા આજુબાજુના ઘણા કણબીઓ આ ધર્મમાં દાખલ થયા. આ પંથના કણબીઓએ કચ્છમાં શિકરા નામનું ગામ વસાવી ત્યાં પિરાણપંથ શરૂ કર્યો. ગુજરાતના જે કણબીઓ પિરાણા પંથમાં દાખલ થતા હતા તે બધા કણબીઓને કચ્છના પિરાણા પંથમાં દાખલ થતાં હતા તે બધા કણબીઓને કચ્છના શિકારા ગામે મોકલવામાં આવતા હતા. આ કણબીઓ શિકારની આજુબાજુનાં ગામડાઓમાં વસ્યા હતા અને ત્યાં ખેતી કરવા લાગ્યા. આવા કણબીઓનાં કેટલાક ગામોના હેવાલ નીચે મુજબ છે:-

કચ્છમાં ગયેલાં ગુજરાતનાં કેટલાક કણબી કુટુંબો:

1) માનકવા-(શાખે વેલાણી) તેમના પૂર્વજો અડાલજથી ચાંપાનેર ગયેલા. ત્યાંથી વિરમગામ પાસેના છનિયાર ગામે આવ્યા. ત્યાંથી ગિરમથા યાત્રાએ ગયા અને પિરાણાપંથ સ્વિકાર્યો. "ઈ.સ.1450થી ઈ.સ.1500 સુધીમાં પાટીદારોએ ધર્મ પરિવર્તન કર્યું. મતિયા પટેલ બન્યા. મુસલમાન બન્યા" ઈ.સ. 1524માં વેલા પટેલ તથા માગર પટેલે કચ્છના વાગડ પ્રદેશમાં આવી શિકરા ગામ વસાવ્યું. તેમના ક્ટલાક વંશજો ઈ.સ. 1646 માં માનકવા ગયા.

2) માનકવા: (શાખે ગોગારી) એમના પુર્વજો અસલ અડાલજમાં રહેતા હતા, ત્યાંથી મહુધા ગયા. ત્યાંથી સાત ભાઈ જુદા પડી નડિયાદ, ઊમરેઠ, બોરસદ, ડાકોર, ખોલાસર, વસો, ઇટોલા ગામે ગયા. તેમના વંશના કેટલાક કણબીઓ ગોધામાં આવીને વસ્યા. ગોધામાં અજા પટેલે પિરાણા પંથ સ્વીકાર્યો અને તેઓ શિકારા ગયા. ત્યાંથી તેમના વંશંજો માનકવા ગયા.

3) માનકવા:(શાખે હલપાણી) એમના વંશજો અડાલજથી અમદાવાદ ગયા. ત્યાંથી બારેજા ગયા અને પિરાણોનો પંથ સ્વીકાર્યો. ત્યાંથી શિકારા થઈ માનકવે ગયા.

4) ભડલી(શાખે ઠાકરાણી) એમના પૂર્વજો અડાલજથી અમદાવાદ ગયા. ત્યાંથી બારેજા ગયા. છેવટે પિરાણાનો પંથ સ્વીકારીને શિકારા ગયા. ત્યાંથી વંશજ રાજો પટેલ તથા પુત્ર દેવસિંહ પટેલ ખેડાઈ ગયા અને ત્યાંથી ભડલી ગયા.

5) વિરાણી (શાખે નાકરાણા) આ શાખાના નાકર પટેલના પૂર્વજ સોમા પટેલ મૂળ ઊંઝામાં રહેતા હતા. ત્યાંથી લાલી (તા. મહેમદાવાદ)ગયા. પિરાણાનો ધર્મ સ્વીકારી શિકરા થઈ વિરણી આવ્યા.

6) વિરણઈ (શાખે દિવાણી) એમના પૂર્વજ અડાલજમાં રહેતા હતા. ત્યાંથી ચાર ભાઈ મામાને ત્યાં ગીરમથા આવ્યા. ત્યાંથી દૂધઈ થઈ ઈ.સ.1749 માં આણંદજી પટેલ વિરાણી આવીને વસ્યા.

7) વિરાણી (શાખે ગોધારી) એમના પૂર્વજ ભાલેજ જી.ખેડામાં રહેતા હતા. તેઓમાં એક જેહસિંહ દેસાઈ હતા. તેમણે ત્રણ દીકરા હતા. તેમાંથી એક ઉમરેઠ અને બીજા કંબોઈ ગયા. ત્રીજા દીકરા પિરાણા પંથ સ્વીકારી શિકરા થઈ વિરાણી આવ્યા.

8) અંગિયા(શાખે ચોપડા) મૂળ પુરુષ દેવજી પટેલ ઊંઝામાં રહેતા હતા. ત્યાંથી પિરાણ પંથ સ્વીકારી શિકરા આવ્યા. તેમના પુત્ર જશોજી અંગિયા આવીને રહ્યા.

9)કોટડા: ગામના પાટીદારો અસલ અમદાવાદમાં રહેતા હતા. ત્યાંથી પિરાણા ધર્મ સ્વીકારી શિકરા આવ્યા, ત્યાંથી માધો પટેલ તથા જીવો પટેલ કોટડા આવીને વસ્યા.

10) નખત્રાણા( શાખે પોકાર) અસલ મહેસાણામાં રહેતા હતા. ત્યાંથી કાનમમાં ગયા. ત્યાં પિરાણ પંથ સ્વીકાર્યો. તેમના વંશજ પૂંજો પટેલ શિકરા આવ્યા. ત્યાંથી દુબઈ ગયા. દુબઈથી અબજી, જશો અને હરજી ઈ.સ. 1772માં નખત્રાણા આવ્યા.

11) નખત્રાણા(શાખે રામાણી) તેમના પૂર્વજો ભાલેજ તા.આણંદથી સવંત 1593ના કારતક સુદ બીજને રોજ પીરાણાપંથી બન્યા. ત્યાંથી શિકરા આવ્યા. તેમના વંશજો નખત્રાણા આવ્યા.

12)નેત્રા(શાખે સાંબલા) તેઓ અસલ ઊંઝામાં રહેતા હતા. ત્યાંથી આણંદ ગયા. તેમાંથી એક ભાઈ માળવા, એક નારદીપુર અને એક શિકરા ગયા. તેમના વંશના અંબાજીના પુત્ર ધનજી, રતનો અને લાલજી શિકરાથી નેત્રા આવ્યા.

13) વિથોણ(શાખે સુરાણી) એમના વંશજો સુણાવ જી.ફેળામાં રહેતા હતા. ત્યાંથી પિરાણપંથ સ્વિકારી શિકરા આવ્યા. એમના વંશના ગોપાલના પુત્ર મનજી તથા વિશ્રામ ઈ.સ.1746માં વિથોણ આવ્યા.

14) કરબોઈ (શાખે ભાયાણી) વસોથી ભાયા પટેલ શિકરા આવ્યા તેમના વંશજો માણેકવાળા અને ધબકડા થઈ કરબોઈ આવ્યા.

15) નખત્રાણા(શાખે લીંબાણી) અસલ અડાલજમાં રહેતા હતા. તેમના વંશજ ગોવા પટેલના જેરાજ, જીવો અને વાસણ નામે ત્રણ પુત્રો હતા. તેમાંથી એક બાવળા, બીજા કંબોઈ અને ત્રીજા ગિરમથા ગયા. વાસણ પટેલ શિકરા આવ્યા અને ત્યાંથી નખત્રણા આવ્યા.

16) મથલ(શાખે પોકાર) તેમના પૂર્વજો નડિયાદમાં રહેતા હતા. ત્યાંથી મગન પટેલ કાનમમાં વસ્યા. ત્યાંથી તેમના પુત્ર હંસરાજ અને મોહન ગિરમથા આવ્યા. ત્યાં પિરાણાનો ધર્મ સ્વીકરી શિકરા થઈ મથલ આવ્યા.

17) ગડાણી(શાખે લીંબાણી) તેમના પુર્વજો મૂળ ઊંઢા રહેતા હતા. ત્યાંથી બાવળા વસ્યા. ત્યાંથી ગોવિંદ પટેલનો વંશ આણંદ આવ્યો. ત્યાથી તેના વંશજ અરજણ, છગન અને હરગોવિંદ ગામ તેના લાલી તા. મહેમદાવાદ આવ્યા. ત્યાંથી પિરાણપંથ સ્વીકારી શિકરા આવ્યા. ત્યાંથી તેમના વંશજ ગડાણી આવ્યા.

18) ખાંભળી(શાખે પોકાર) તેમના વંશજ અસલ ધોળકા રહેતા હતા. ત્યાંથી પચાણ પટેલ ઈ.સ. 1627માં ગિરમથા આવી પિરાણ પંથ સ્વીકાર્યો. ત્યાંથી શિકરા આવ્યા. ત્યાંથી વેલાણી થઈ ખાંભળી આવ્યા.

19)મગવાણા ( ચોપડા) અસલ ઊંઝાથી નીકળી સાણંદ વસ્યા. ત્યાંથી અમદાવાદ આવી પીરનો ધર્મ સ્વિકાર્યો. ત્યાંથી શિકરા થઈ મગવાણા આવ્યા.

20) દર્શડી:(શાખે પોકાર હાલ બાથાણા) અસલ ધોળકા રહેતા હતા, ત્યાંથી અમદાવાદ આવી પીરનો ધર્મ સ્વીકારી શિકાર આવ્યા. ત્યાંથી વંશજો દર્શડી આવ્યા. પંદરમા તથા સોળમા સૈકામાં પાટીદારો ક્યાંથી નીકળી ક્યાં ક્યાં ગયા છે અને જીવનનિર્વાહની શોધમાં તેમના વંશજોએ કેવા ભ્રમણ કર્યા છે તેનો ખ્યાલ આપવા માટે કચ્છનાં ગામડાઓમાં વસેલા પાટીદારોનાં ભ્રમણની વિગતો વિગતવાર આપી છે. કચ્છના ઉપરનાં વીસ ગામોના પાટીદારો હાલમાં આખા કચ્છમાં ફેલાયા છે અને ત્યાં ખેતી કરે છે.

કચ્છના પાટીદારોએ અસલ હિંદુ ધર્મ બદલી મુસલમાનને ગુરુ કર્યા હતા. તેથી તેમને ગુજરાતમાં રહેતા પોતાના કુટુંબ, જ્ઞાતિ અને ગામ સાથે પણ કલહ થાય એ સ્વાભાવિક હતું. આવી ધાર્મિક અગવડના લીધે સઘળા પિરાણપંથી કણબીઓ ક્રમે ક્રમે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાંથી નીકળીને કચ્છના વાગળ પ્રદેળના શિકરા ગામે આવ્યા અને ત્યાં પોતાના સ્વધર્મિઓ સાથે મળીને શાંતિથી ખેતી કરવા લાગ્યા. કચ્છનો પ્રદેશ ઘણાં વર્ષોથી ખેતીવાડીમાં પછાત હતો. એ સંજોગોમાં કચ્છના રાવને(રાજાને)ગુજરાતનાક કાબેલ ખેડુતો અનાયાસે મળી જતાં રાવે આ ખેડૂતોને આખા કચ્છમાં વસાવ્યા. સમય જતાં કચ્છના કણબીઓએ પિરાણ પંથ છોડી દીધો અને હાલમાં આખા કચ્છના પાટીદારો હિંદુધર્મ પાળે છે. કચ્છના પાટીદારો ખૂબ મહેનતુ છે. અને કસરદાતા તથા સાદાઈથી રહે છે. હાલમાં ગુજરાતના પાટીદારોની માફક તેઓ પણ દુનિયાના ઘણા દેશોમાં આજીવિકા અને કમાણીની શોધમાં પહોંચી ગયા છે. આમ કચ્છના પાટીદારો ગુજરાત અને સૌરાષ્ટ્રના લેઉઆ અને કડવા પાટીદારોની માફક પંજાબના કૂર્મી ક્ષત્રીયો છે. તેઓ ઈ.સ. પૂર્વે 300ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદારોની સાથે સાથે કચ્છમાં આવીને વસ્યા છે. ત્યારબાદ ઈ.સ. 1500 થી ઈ.સ. 1800 સુધીમાં ઉ. ગુજરાત અને અડાલજ પ્રદેશના ઘણા પાટીદારો કચ્છમાં જઈને વસ્યા છે.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved