એક ભર રે જોબનિયામાં બેઠાં શાંતાબેન,  
    દાદાએ હસીને બોલાવિયાં    
  કાં! કાં રે! દીકરી તમારી દેહ જ દૂબળી,    
    આંખલડી છે જળે ભરી.    
  નથી રે દાદા મારી દેહ જ દૂબળી    
    નથી રે આંખલડી જળે ભરી.    
  એક ઊંચો તે વર ના જોશો રે દાદા    
    ઊંચો તે નિત્ય નેવાં ભાંગશે.  
  એક નીચો તે વર ના જોશો રે દાદા    
    નીચો તે નિત્ય ઠેબે આવશે.    
  એક ઊજળો તે વર ના જોશો રે દાદા    
    ઊજળો તો જાત વખાણશે.    
  એક કાળો તે વર ના જોશો રે દાદા    
    કાળો તે કુટુંબ લજાવશે.    
  એક કેડ રે પાતળિયો ને મુખ રે શામળિયો  
    તે મારી સહિયરે વખાણિયો.    
  પાણી ભરંતી પણઆરીએ વખાણ્યો.    
    ભલો રે વખાણ્યો મારી ભાભીએ.    
શબ્દાર્થઃ      
  દેહ-શરીર, નેવાં-ઘરના છાપરાનાં નળિયાં, ઠેબે આવવું-અડફટમાં અથડાવું.
સમજૂતીઃ      
(1) કન્યાએ તેના મનમાં કેવો પતિ પસંદ કર્યો છે તેનું આ ગીતમાં ચિત્ર છે.
(2) દરરોજ આનંદમાં રનમારી દીકરીના અંગ ઉપર આજે દાદાએ દુર્બળતા દેખી, આંખમાં આંસુ દેખ્યાં.
(3) પૂછપરછ થઈ. કન્યા એ ઉદાસિનતાનું કારણ કહ્યું.
છતાં હજી કન્યા સ્પષ્ટ નિર્દેષ કરીને કહેતી નથી કે તેણે તેના મનથી કયા સ્વામીને પસંદ કર્યો છે. કન્યા મોંઘમ એટલું જ કહે ચે કે વરની પસંદગી કરવામાં બધી વાતે મધ્યમ કોટિનો પુરૂષ મને પસંદ છે. મારા કરતાં ઊંચી કોટિનો પુરૂષ પસંદ કરશો તો તે મારાથી સંતોષ નહિ પામે. તેને તેની ઉચ્ચતાનું મિથ્યાભિમાન રહેશે.  
આવો સ્વામી મારી સહિયરોએ મારાં ભાભીએ અને કૂવાકાંઠે પાણી ભરતી પનિહારીઓએ પણ વખાણ્યો છે. કદાચ મારી મોહવશ આંખ ભૂલ કરે તેથી તો મેં આવા આપ્તજનો પાસે સ્વામીની કસોટી કરાવી છે.  
છેવટે તેના દાદા, ભાઈ અને કાકા દીકરીને પૂછે છે. હે દિકરી! તેં આવો વર ક્યાં જોયો છે. ક્યરે જોયો છે અને કેવી સ્થિતિમાં જોયો છે તે અમને જણાવ. અમે એ વરને શોધી કાઢીને તારી પસંદગી મુજબ તને પરણાવીએ.  
છેવટે દીકરી પોતે પસંદ કરેલા વરની ઓળખ હવે પછીના પાંચમા ગીતમાં સંવાદના રૂપમાં આપે છે.  
પહેલાંના વખતમાં પાટીદારો વરની પસંદગીમાં દીકરીને કેટલું મહત્ત્વ આપતા હતા તે ગીત નં. 4 અને 5 ઉપરથી સમજાય છે.  
   
બહુ ઊંચી કોટિનો વર મિથ્યાભિમાની હોય વરબધી રીતે મધ્યમ કોટિનો હોવો જોઈએ.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved