કુંવરી ચડી રે કમાડ

  કુંવરી ચડી રે કમાડ, સુંદર વર નીરખવા રે!  
  દાદા મોરી એ વર પરણાવ, એ વર છે વેવારિયો રે!    
  દીકરી મોરી ક્યાં તમે દીઠા ને, ક્યાં રે તમારાં મન મોહ્યાં રે!    
  રમતોતો બવળી બજાર, દડુલે મારાં મન મોહ્યાં રે!    
  કુંવરી ચડી રે કમાડ, સુંદર વર નીરખવા રે!    
  વીરા મોરા એ વર પરણાવ, એ વર છે વેવારિયો રે!    
  બેની મોરા ક્યાં તમે દીઠા ને, ક્યા રે તમારાં મન મોહ્યાં રે!    
  ભણ્યોતો ભટ્ટની નિશાળે, અક્ષરે મારાં મન મોહ્યાં રે!  
  કુંવરી ચડી રે કમાડ, સુંદર વર નીરખવા રે!    
  કાકા મોરા એ વર પરણાવ, એ વર છે વેવારિયો રે!    
  ભત્રીજી મોરી ક્યાં તમે દીઠા, ને ક્યાં તમારા મન મોહ્યાં રે!    
  જમતોતો સોના કેરા થાળે, કોળીડે મારાં મન મોહ્યાં રે!    
  કુંવરી ચડી રે કમાડ, સુંદર વર નીરખવા રે!    
શબ્દાર્થઃ      
વેવારિયો-ઘરનો વ્યવહાર ચલાવે તેવો, કમાતો અને કુટુંબનું પોષણ કરી શકે તેવો, બવળી બજાર-અટપટું અને વાકુંચૂંકુ બજાર, દડુલે – રમવાન દડો જોઈને, કોળીડે-કોળિયો, કમાડ-ઘરના બારણાનો એક ભાગ.
  કેવો વર પસંદ કરવો જોઈએ?    
  1. વેવારિયો 3. ભણવામાં હોંશિયાર    
  2. રમતમાં પ્રવીણ 4. સુખી ઘરનો    
       
સમજૂતીઃ વડીલોએ દીકરીને પૂછાવ્યું, ઓ બહેન    
  (1)  તારું અંતર ક્યાં ઠરેલું છે?
  (2) તેં વર્ણન કર્યા મુજબનો ચાર ગુણવાળો કોઈ વર તેં દીઠો છે?
  (3) અથવા તો એવો વર પસંદ કરી અમને જણાવીશ?
           ત્યારે દીકરી એ વર જોયાનાં ચાર સ્પષ્ટ નિશાન આપે છે. વડીલો એ વર શોધી કાઢી તેમની દીકરી એ વર સાથે પરણાવવા માટે વાટાઘાટો શરૂ કરે છે.  
          આ ગીતમાં આ ચાર નિશાન આ પ્રમાણે આપ્યા છે.  
(1) એ વર છે વેવારિયો રે-  
           એ વર કમાતો, કુટુંબનું પોષણ કરી શકે તેવો અને ઘરનો વ્યવહાર ચલાવી શકે તેવો છે.  
(2) રમતોતો બવળી બજાર, દડુલે મારાં મન મોહ્યાં રે!  
         આ વર રમતગમતમાં પ્રવીણ છે. અટપટી બજારમાંથી પણ ગેડી વડે દડો કાઢી જાય છે. મેં તેને રમતો જોયો છે. તે સશક્ત, દેખાવડો અને ગમે તેવા મુશ્કેલ સંજોગોમાં પણ સંસારરૂપી રમતનો દડો ધારેલા સ્થળે પહોંચાડી શકે તેવો છે.  
(3) ભણતોતો ભટ્ટની નિશાળ અક્ષરે મારાં મન મોહ્યાં રે!  
         મેં તેને ભટ્ટની નિશાળમાં ભણતો જોયો હતો. તેના અક્ષર સુંદર અને મરોડદાર હતા. તે ભણવામાં ઘણો હોંશિયાર હતો.  
(4) જમતોતો સોના કેરા થાળે, કોળીડે મારાં મન મોહ્યાં રે!  
         આ વર તેના ઘર આગળ સોનાની થાળીમાં જમતો હતો એટલે સુખી ઘરનો પણ છે.  
   
મોહ પામીને પ્રેમ લગ્ન કરનાર કન્યાઓએ પણ આ ગીતમાં રહેલા વરના ચાર ગુણ તપાસી લેવા જોઈએ.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved