આ પુસ્તકના લેખન કાર્યની વિગતો માટે મારે અમદાવાદ, વડોદરા અને વઢવાણના પાટીદારોના અનેક બારોટોને મળવા જવું પડયું છે.
મોટા ભાગના બારોટોએ તેમના ચોપડા મને વાંચવા દીધા નથી. છતાં લાલચ. નાણાં સમજૂતી, ચર્ચા ને લાગવગ વાપરી મેં કેટલાક બારોટોના ચોપડા જોયા છે અને કામ ચલાઉ વાંચ્યા છે.
મેં વાચેલા અને જોયેલા કોઈ પણ બારોટોના ચોપડામાં પ્રાકૃત, અપભર્શ કે જૂની ગુજરાતી ભાષાનું એક પણ પાનું નથી.પાલી કે અર્ધમાગધી ભાષાના લખાણનું તો નામ નિશાન પણ નથી.
બારોટોના ચોપડાની ભાષા અને લિપિ:
હાલના પાટીદારોના બારોટોના ચોપડાઓની હસ્તપ્રતો વાંચતા તેની ભાષા અને લિપિ ઉપરથી નીચે પ્રમાણે સમજાય છે:
1.બે શબ્દો વચ્ચે અંતર નથી. બધા શબ્દો એક જ શબ્દ હોય તેમ સળંગ લખેલા છે.
2. વાક્યને છેડે પૂર્ણવિરામ કે અલ્પવિરામ નથી. બધાં વાક્યો અને બધા શબ્દો સળંગ અટક્યા વિના લખેલા છે.
3.હાલની ગુજરાતી લિપિ નથી. મથાળે લીટી દોરેલી નાગરી લિપિ છે.
4. નાગરી લિપિમાં લખેલી આ હસ્તપ્રતોમાં અ,ભ,ય જેવા અક્ષરો ગુજરાતી લિપિના જૂના મરોડમાં લખેલા છે.
5. શ અને ષ ને બદલે સ વાપર્યો છે.
6. જોક્ષર બહુ જ ઓછા છે. લખ્યો છે, વાંચ્યો છે, કર્યો છે, મૂક્યો છે, ને બદલે લખો છે. વાંચો છે, કરો છે, મૂકો છે આવા શબ્દો છે.
7. ઈ.સ. 1500 સુધી ગુજરાતી ભાષાની હસ્તપ્રતોમાં પડી માત્રાનો ઉપયોગ થતો હતો. આવી પડી માત્રા લિપિ પણ બારોટોના ચોપડાઓમાં મને ક્યાંય જોવા મળી નથી. (પડી માત્રા એટલે માત્રાને અક્ષરની ઉપર લખવાને બદલે બાજુમાં લખવો તે).
8.ઈ.સ. 1300 સુધી મારવાડ, મેવાળ, માળવા અને ગુજરાતની ભાષા તથા લિપિ એક જ હતાં. આ સમયે મારૂ ગુજરાતીમાં (મારવાળી ગુજરાતીમા) લખાયેલા કાનડે પિરબંધની હસ્તપ્રત જેવા ભાષા તથા લિપિ પણ ક્યાંય જોવામાં આવતાં નથી.
9.ઈ.સ. 1500 પછી લખાયેલા કેટલાક શિલાલેખો અને હસ્તપ્રતો મેં વાંચ્યા છે.આ હસ્તપ્રતો અને શિલાલેખોમાં વપરાયેલી ભાષા, લિપિ અને લિપિના અક્ષરોના મરોડ પાટીદારોના બારોટોના ચોપડાઓની ભાષા અને લિપિ જેવાં છે.
10. ઉપરનાં બધાં કારણો અને તારણો ઉપરથી ઐતિહાસિક રીતે કહી શકાય કે પાટીદારોના બારોટોના બધા જ ચોપડાઓ ઈ.સસ. 1300 થી ઈ.સ. 1600 સુધીમાં લખાયેલા છે. ઈ.સ. 1600 પછી બારોટોએ તેમના યજમાનોની વંશાવળીઓ આ ચોપડાઓમાં વખતો વખત ઉમેરેલી જણાય છે.
આ બધા પુરાવાઓ ઉપરથી ચોક્કસ કહી શકાય કે પાટીદારોના બારોટોના ચોપડાઓનું ઈ.સ. 1300 પહોલાનું બધું જ લખાણ કલ્પિત , આધાર વિનાનું, અતિશયોક્તિવાળું અને બિન ઐતિહાસિક છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved